News ગુજરાત


વિખરણ હત્યા કેસમાં એક જ પરિવારના નવને આજીવન કેદ 



વાઇબ્રન્ટ ન્યુઝ

ખેડબ્રહ્મા તાલુકાના વિખરણ ગામે જમીન બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે થયેલ ધીંગાણામાં તીર કામઠાથી એકનું મોત અને અન્યોને ઇજા થવાના કેસમાં ઇડર એડીશનલ સેશન્સ કોર્ટે એક જ પરિવારના નવ આરોપીઓને આજીવદન કેદની સજા ફટકારી હતી.વિખરણ ગામે જમીન વિવાદમાં થયેલ ઝઘડા પછી સામ સામી ફરીયાદ નોંધાઇ હતી જેમાં હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે . ખેડબ્રહ્મા તાલુકાના વિખરણ ગામે વાઘાભાઇ વેલાભાઇ ખોખરીયાને પિતાને નામે ઓળખાતી જમીન સર્વે નં.૨૧ પૈકી ૧ની માલિકી બાબતે ગામનાજ ધુળાભાઇ પુંજાભાઇ ખોખરીયા સાથે વિવાદ ચાલતો હતો. માર્ચ ૨૦૧૪માં વાઘાભાઇ ખોખરીયાના નાના ભાઇ અણદાભાઇ, કમલેશભાઇ તથા તેમના કાકાનો છોકરો ટીનાભાઇ લુકાભાઇ, ભત્રીજો શૈલેષભાઇ ભોજાભાઇ, કાકાનો છોકરો મિથુનભાઇ ભુરાભાઇ, ભોજાભાઇ ભુરાભાઇ ખોખરીયા બામણી માતાવાળા ખેતરમાં ઘઉંનુ વાવેતર કરેલ હોઇ કાપણી કરતા પહેલા બામણી માતાને શ્રીફળ ચઢાવવાની પ્રથા હોઇ શ્રીફળ ચઢાવવા ગયા હતા તે દરમિયાન ગામના મીઠાભાઇ ધુળાભાઇ ખોખરીયા, લાલુભાઇ ધુળાભાઇ, મનુભાઇ ધુળાભાઇ, લુકાભાઇ ગુજરાભાઇ, સુખાભાઇ ગુજરાભા, ગુજરાભાઇ નાથાભાઇ અને સોદાભાઇ લાલુભાઇ ખોખરીયા ખેતર આગળ આવ્યા હતા. અને તીર કામઠા અને લાકડી સાથે આવેલા તમામ શખ્સોએ આ ખેતરમાં કેમ કાપણી કરો છો તેમ કહી મીઠાભાઇ ધુળાભાઇએ તીર કામઠાથી તીર મારતા અણદાભાઇ વેલાભાઇને વાગી જતા તેનુ સ્થળ પર મોત નિપજયુ હતું. જયારે લલીતભાઇ ખોખરીયા કામઠામાંથી તીર મારતા કમલેશભાઇને તીર વાગ્યુ હતું. લુકાભાઇ ગુજરાભાઇ ખોખરીયાએ પણ તીર છોડતા તેમના કાકાના દિકરા મિથુનભાઇ ભુરાભાઇને તીર વાગ્યુ હતું.  જયારે ગુજરાભાઇ નાથાભાઇ ખોખરીયાએ તીર છોડતા ભોજાભાઇ ભુરાભાઇને અને સોદાભાઇ લાલુભાઇ ખોખરીયાએ લાકડી શૈલેષભાઇ ભોજાભાઇને માથામાં મારતા ઇજાઓ થઇ હતી. આમ તીર કામઠાથી ઘાતક હુમલા સાથે હત્યાની ઘટના સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વિખરણ ગામના ૯ જણા વિરૂધ્ધ પોલીસે મામલો દર્જ કરી તેનુ ચાર્જશીટ કર્યુ હતું.  આ હુમલા અને હત્યાના મામલાનો કેસ ઇડરના એડીશનલ સેશન્સ જજ કે.એ. પઠાણની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે કેસમાં ડીજીપી એ.જે. પટેલની દલીલોને ધ્યાને લઇ ઇડરની એડીશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ કે.એ. પઠાણે શુક્રવારે વિખરણ ગામના મીઠાભાઇ ધુળાભાઇ ખોખરીયા, લાલુભાઇ ધુળાભાઇ ખોખરીયા, મનુભાઇ ધુળાભાઇ ખોખરીયા, ધુળાભાઇ પુંજાભાઇ ખોખરીયા, લલિતભાઇ ધુળાભાઇ ખોખરીયા, લુકાભાઇ ગુજરાભાઇ ખોખરીયા, સુખાભાઇ ઉર્ફે સોમાભાઇ ગુજરાભાઇ ખોખરીયા, ગુજરાભાઇ નાથાભાઇ ખોખરીયા, સોદાભાઇ લાલુભાઇ ખોખરીયાને હત્યાના ગુનામાં તેમજ વિવિધ કલમો હેઠળના ગુનામાં તક્ષીરવાન ઠરાવી આજીવન કેદની સજા સાથે દંડ ફટકારતો હુકમ કર્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે વિખરણમાં ખેતરની જમીન માલિકી બાબતે બન્ને જુથો દ્વારા તીર કામઠાથી ખેલાયેલા ઘાતક ધીંગાણામાં એકની હત્યા થઇ હતી જેથી ક્રોસ ફરિયાદના બન્ને કેસો ઇડરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યા હતા. જેમાં સૌ પ્રથમ ઘાતક હુમલા સાથે હત્યાના સેશન્સ કેસ નં.૭૨-૨૦૧૪ ડી.જી.પી. એ.જે. પટેલ અને એ.જી.પી. પ્રણય સોનીએ ચલાવ્યા છે.  જે પૈકીના ૭૨-૨૦૧૪ના કેસમાં ડી.જી.પી.ની દલીલોને ધ્યાને લઇ ઇડરના એડીશનલ સેશન્સ જજે શુક્રવારે આ ચુકાદો આપ્યો  હતો. જયારે ક્રોસ ફરિયાદ નો ચુકાદો આગામી તા.૪ ઓકટોબર ૨૦૧૯ના રોજ જાહેર કરાશે તેમ એ.જી.પી. પ્રણય સોનીએ જણાવ્યું હતું. 

Publish Date: 9/29/2019 00:00:00
Auther: Bharat chaudhary