News ગુજરાત


સ્થાનિક ચુંટણીના પરિણામો મુદ્દે ચુંટણપંચને હાઇકોર્ટે ની નોટીસ



ગુજરાત હાઈકોર્ટે મંગળવારે સ્થાનિ સ્વરાજની ચૂંટણીમાં જુદી જુદી તારીખે પરિણામના મુદ્દે રાજ્ય ચૂંટણી પંચ તેમજ રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ચાલુ મહિનાના અંતે યોજાનારી છ મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ નગરપાલિકા, તાલુક અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ જુદી જુદી તારીખે જાહેર કરવાના સંદર્ભમાં કરાયેલી પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. અરજકર્તાએ અરજીમાં 23 જાન્યુઆરીના રાજ્ય ચૂંટણી પંચના પરિપત્રને રદ કરવા હાઈકોર્ટને નિર્દેશ આપવા અનુરોધ કર્યો છે જેમાં 23 ફેબ્રુઆરી અને 2 માર્ચના રોજ મતગણતરી યોજવાનું જણાવાયું છે.    નટવર મહિડા, ગોવિંદ પરમાર અને જગદીશ મકવાણાએ સંયુક્ત રીતે કરેલી અરજીના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેષ જે વોરાની ડિવિઝન બેન્ચે રાજ્ય ચૂંટણી પંચ અને ગુજરાત સરકારને પોતાનો જવાબ રજૂ કરવા નોટિસ મોકલી છે. આ કેસમાં 9 ફેબ્રુઆરીના આગામી સુનાવણી હાથ ધરાશે. અરજીમાં જણાવાયું છે કે જુદી જુદી તારીખે ચૂંટણી પરિણામો જાહેર કરવાથી નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા યોજવા સામે અવરોધ ઊભો થઈ શકે છે. નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની મતગણતરી પૂર્વે છ મહાનગરપાલિકાની મતગણતરી યોજાશે જેને પગલે મતદારો પ્રભાવિત થઈ શકે છે. અરજદારોના વકીલ પીએસ ચાંપાનેરીએ રાજ્ય ચૂંટણી પંચના પરિપત્રને રદ કરવા હાઈકોર્ટને વિનંતી કરી છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાશે અને તેના પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર થશે. જ્યારે નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી 28 ફેબ્રુઆરી તેમજ મતગણતરી 2 માર્ચના થશે.


Publish Date: 2/2/2021 00:00:00
Auther: ભરત ચૌધરી