News ગુજરાત


હવે ડાંગર,મકાઇ,બાજરી,મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ડાંગર, મકાઇ, બાજરી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ ખરીફ પાકોમાં મગફળીની ખરીદી માટે 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. રાજ્યમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂા.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6,000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેના કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92 ખરીદ કેન્દ્રો, મકાઈ માટે 61 કેન્દ્ર, બાજરી માટે 57 કેન્દ્ર, મગ માટે 71 કેન્દ્ર, અડદ માટે 80 કેન્દ્ર અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ઓનલાઈન નોંધણી અંગેની વિગતો આપતા મંત્રી રાદડિયાએ વધુમાં ઉમેર્યું કે, ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. જે તા. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખેડૂતો માર્કેટીંગ યાર્ડના સેન્ટરો પરથી નોંધણી કરી શકશે. ખરીદી પ્રક્રિયા તા. 16મી ઓકટોબર-2020થી તા. 31મી ડિસેમ્બર-2020 સુધી ચાલશે. જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મી ઓક્ટોબર-2020થી શરૂ થશે જે તા.31મી ઓક્ટોબર-2020 સુધી ગ્રામ્યકક્ષાએ થશે અને એની ખરીદી પ્રક્રિયા તા. 2જી નવેમ્બર-2020 થી તા.30 જાન્યુઆરી-2021 સુધી ચાલશે. નોંધણી માટે ખેડૂતે આધાર કાર્ડની નકલ/આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન 7-12, 8-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં.12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો,ખેડૂતના નામે IFSC કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સહિતના જરૂરી પુરાવા સાથે લઈ જવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વિકૃત ન થાય. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ પ્રક્રિયા આગામી તા.20મી ઓકટોબર સુધી ચાલશે. તેમજ રજિસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકો છો.


Publish Date: 8/10/2020 00:00:00
Auther: Bharat chaudhary